રાજ્યમાં આ વર્ષે એક તરફ ભારે વરસાદ વરસ્યો છે તો બીજી તરફ રાજ્યમાં ચોમાસા દરમિયાન વાહન અકસ્માતની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ તૂટી જવા, ભૂવા પડવાના કારણે વાહનના અકસ્માતો થવાની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
માત્ર 3 મહિનામાં રાજ્યમાં 44,673 વાહન અકસ્માત થવાની ઘટનાઓ
તમને જણાવી દઈએ કે જૂન 2024થી સપ્ટેમ્બર 2024 સુધી માત્ર 3 મહિનામાં રાજ્યમાં 44,673 વાહન અકસ્માત થવાની ઘટનાઓ બની છે. છેલ્લા 8 વર્ષમાં અકસ્માત થવાની સંખ્યાની વાત કરી એ તો વર્ષ 2017માં 1,18,941 અકસ્માત થયા હતા. વર્ષ 2018માં 1,30,148 અકસ્માત નોંધાયા છે. વર્ષ 2019ની વાત કરીએ તો 1,32,770 અકસ્માતની ઘટનાઓ બની છે.
વર્ષ 2022માં 1,46,712 અકસ્માત નોંધાયા
વર્ષ 2020માં 1,04,682 અકસ્માત રાજ્યમાં સર્જ્યા છે. વર્ષ 2021માં 1,21,713 અકસ્માત, વર્ષ 2022માં 1,46,712 અકસ્માતની સંખ્યા નોંધાઈ છે. વર્ષ 2023માં 1,57,164 અકસ્માત નોંધાયા છે તો વર્ષ 2024માં અત્યાર સુધી 1,06,212 અકસ્માતના કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ આ વર્ષે રાજ્યમાં અતિવૃષ્ટીની સ્થિતિ સર્જાઈ છે અને રાજ્યના તમામ વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ ઉભા પાક નષ્ટ પામ્યા છે અને ખેડૂતોને પણ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે રાજ્યના તમામ રોડ રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા છે અને વાહનચાલકોને તેના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.









