7 જુલાઇના રોજ અષાઢી બીજનાં દિવસે રથયાત્રા નીકળશે. જેને બસ હવે થોડા જ દિવસો બાકી છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના 15 દિવસ પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે 22 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવાની છે. જેથી ભગવાન જગન્નાથની જળયાત્રાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.અમદાવાદના ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બહેન સાથે નરગચર્યા પર નિકળે છે ત્યારે ઢોલ, નગારા, કરતબ, ભજન મંડળી અને લોકોનો ઉત્સાહ સાથે એક અલગ જ માહોલ જોવા મળતો હોય છે. આ વર્ષે પણ જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરના આરા સુધી જળયાત્રાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભગવાન જગન્નાથની જળયાત્રામાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવે છે અને તેનાથી જ ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. જે પછી જ ભગવાન ગણવેશ ધારણ કરે છે. આ જળયાત્રામાં પણ બળદગાડા, ધજાઓ, 108 કળશ અને યાત્રાનું સૌથી મોટું આકર્ષણ ગજરાજ, ઉપરાંત ભગવાનના ભજનો, સંતો મહંતો અને ભક્તોની હાજરીમાં જળપુજન કરવામાં આવતું હોય છે. જમાલપુર ખાતેના ભગવાન જગન્નાથજીના મંદિરે વિવિધ રંગરોગાન અને વિવિધ પ્રકારના ફૂલ તથા ફ્રૂટથી શણગાર કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.જળયાત્રા માટે ખાસ 108 કળશના રંગ રોગાન કરવામાં આવ્યા છે. તેમજ ધ્વજ પતાકા અને કાવડ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદનાં જગન્નાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અને તૈયારીઓ અંગેની સમીક્ષા પણ કરી હતી.









