જૂનાગઢમાં ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિતે યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનમાં 700થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યનું યુવાધન નશાના રવાડે ચડીને પોતાની અને પરિજનોની જીંદગી બરબાદ કરી રહ્યું છે. ત્યારે યુવાનોમાં નશો ન કરવાની બાબતે જાગૃતિ આવે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ ભવનથી શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જુનાગઢ પોલીસની સાયક્લોથોન રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રફૂલ પાનસેરિયાએ આજના યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢીને નશાના ખપ્પરમાં ન હોમાવું જોઈએ તેવો સંદેશો પણ આપ્યો હતો.









