જૂનાગઢના માળિયા હાટિના, માંગરોળ, કેશોદ, મેંદરડા, વિસાવદર અને ગીરના જંગલ વિસ્તારમાં સવારથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે જિલ્લાના નદી,નાળા, ચેકડેમ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. પ્રશાસને સલામતીના ભાગરૂપે લોકોને નદીના પટ વિસ્તારમાં આવન-જાવન કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
અંડરપાસ બંધ કરવો પડે તેવી સ્થિતિ
જૂનાગઢમાં ભારે વરસાદ વરસતા ઝાંઝરડા રેલવે અંડપાસમાં ભારે પાણી ભરાતા અંડરપાસ બંધ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ,નરસિંહ મહેતા તળાવ ઓવરફલો થતા તેનું પાણી શહેરમાં આવી ગયું હતુ,હાલમાં પોલીસે બેરીકેટ મૂકીને અંડરપાસ બંધ કર્યો છે અને વાહનોને ડાયવર્ઝન અપાયું છે. મહત્વનું કહી શકાય કે, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.









