ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ પેટા ચૂંટણીને લઈ 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને મત ગણતરી હાથ ધરાશે. 26 મેથી ફોર્મ ભરવાની શરુઆત થશે. 2 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 3 જૂને ફોર્મ ચકાસણી હાથ ધરાશે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન છે. કડી બેઠક ધારાસભ્યના નિધન બાદ ખાલી પડી હતી અને વિસાવદરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.હવે કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના સંભવિત દાવેદારોના નામ સામે આવ્યાં છે.
નિરીક્ષકો કડી આવશે અને ઉમેદવાર નક્કી થશે
કડીની ચૂંટણી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કડી ભાજપનો ગઢ છે દાયકાઓ સુધી ભાજપ કડીમાં જીતતું આવ્યું છે. ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય અપાવશે. ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પક્ષ દ્વારા નક્કી કરાશે.પક્ષની પદ્ધતિ પ્રમાણે નિરીક્ષકોની નિમણૂક કરાશે.નિરીક્ષકો કડી આવશે અને ઉમેદવાર નક્કી થશે. ભાજપ પક્ષ દ્વારા કાર્યકરો સાથે સંકલન કરી કામગીરી કરવામાં આવશે.પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર જાહેર કરશે.









