ખેડા જિલ્લાના નડિયાદમાં આગામી 15 ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગ રૂપે નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
નડિયાદના SRP ગ્રાઉન્ડ ખાતે થયું રિહર્સલ
નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે નડિયાદમાં ઉજવણી 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે નડિયાદના SRP ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં જિલ્લા કલેક્ટર, ડીએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ પરેડ તેમજ 19 પ્લાટુનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. તેમજ રાઈફલ ડ્રિલ, ડોગ શો, મરીન ડ્રાઈવનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં 8થી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ 8મી ઓગસ્ટે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા હતા અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે અને આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે.









