મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે દેશી ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયની સ્થિતિ, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગીતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને ઓર્ગેનિક ફાર્મિંગ સિસ્ટમમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્ત્વપૂર્ણ સ્થાનને ધ્યાનમાં રાખીને સરકારે હવેથી દેશી ગાયને 'રાજ્યમાતા ગાય માતા' જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.
દેશી ગાયોના ઉછેર માટે યોજનાઓ પણ શરૂ કરવામાં આવશે
ગાયોને રાજ્ય માતાનો દરજ્જો આપ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે દેશી ગાય આપણા ખેડૂતો માટે વરદાન છે, તેથી અમે આ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે અને તેની સાથે ચારાની વ્યવસ્થા પણ કરી છે. તમને જણાવી દઈએ કે સરકાર દેશી ગાયોના ઉછેર માટે સબસિડી વાળી યોજનાઓ પણ શરૂ કરશે. ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
થાણે સર્ક્યુલર મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપી કરવામાં આવશે
મુખ્યપ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં 38 નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. મહેસૂલ વિભાગ હેઠળ કોટવાલોના પગારમાં 10 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમના પર કરુણાની નીતિ પણ લાગુ કરાશે. ત્યારે રાજ્યમાં લશ્કરી શાળાઓ માટેની સુધારેલી નીતિને પણ અમલમાં મૂકવાની મંજૂરી મળી ચૂકી છે. સાથે જ થાણે સર્ક્યુલર મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પણ ઝડપી કરવામાં આવશે.









