લોકસભાની ચૂંટણીમાં એનડીએએ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. ત્યારે સાંજે 7.15 કલાકે પીએમ પદના નરેન્દ્ર મોદી શપથ લેવાના છે. જેને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારથી જ મંત્રી પદના શપથ માટે નેતાઓને ફોન આવી ગયા હતા. ત્યારે સંભવિત મંત્રીઓ સાથે પીએમ આવાસ ખાતે બેઠક પણ યોજાઈ હતા. પીએમ આવાસ ખાતે યોજાયેલી બેઠકમાં PM મોદીએ સંભવિત મંત્રીઓ સાથે ચા પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં નવી સરકારના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી.
મોદી કેબનિટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકાર 3.0માં સુરક્ષા સંબંધિત કેબિનેટ ખાતા ભાજપ પાસે રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ જે મંત્રાલયો પોતાની પાસે રાખશે તેમાં ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય, વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયનો સમાવેશ થાય છે. આ તમામ મંત્રાલયો છે જે મોદી સરકારના છેલ્લા બે કાર્યકાળ દરમિયાન ભાજપ પાસે હતા. અત્યાર સુધી જે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે તેમાં અમિત શાહ, રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા, નીતિન ગડકરી, જિતેન્દ્ર સિંહ જેવા મંત્રીઓનો સમાવેશ થાય છે.









