કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ પણ થઈ ગયો છે. જોકે, ઉત્તર ભારત, મધ્ય ભારત, ઉત્તર પશ્ચિમમાં હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે. પરંતુ આ સાથે જ ગુડ ન્યૂઝ પણ છે કે ચોમાસું ફુલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે.હવામાન વિભાગે આગાહી કરી છેકે, આગામી દિવસોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD કહે છે કે દેશના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.
મધ્ય આસામ અને પડોશી વિસ્તારો હાલમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ છે. જેના કારણે આવતા સપ્તાહે ઉત્તર-પૂર્વીય રાજ્યો, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે સંભવિત પૂર અને ભૂસ્ખલન તરફ દોરી શકે છે.
IMD મુજબ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ બિહાર પર ચક્રવાતી પરિભ્રમણને કારણે કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ સહિતના દ્વીપકલ્પના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોને સતત વરસાદને કારણે સંભવિત પાણી ભરાવા માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. તેનાથી આ વિસ્તારોને થોડી રાહત મળી શકે છે. જ્યારે ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની અપેક્ષા છે.









