મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા ધમાકેદાર વરસી રહ્યા છે. ત્યારે મુંબઈમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે કાલિન, વિહાર લેક સહિતના વિસ્તારો પાણી પાણી થયા છે.
મુંબઈમાં ભારે વરસાદના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર
નવી મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે APMC માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ઠાણે, પાલઘર વિસ્તારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર સીધી અસર પહોંચી છે.









