નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સાંજે 7.15 વાગ્યે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સહિત સમગ્ર દિલ્હીમાં કિલ્લેબંધી કરવામાં આવી છે. આ શપથ ગ્રહણ સમારોહમાં 7 દેશોના રાષ્ટ્રીય વડા હાજર રહેશે. તેમજ દેશ વિદેશના દિગ્ગજો આવી પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 8 હજારથી વધારે લોકો શપથવિધિ સમારોહમાં હાજર રહેવાના છે, ત્યારે દિલ્હી ટ્રાફિક પોલીસે તૈયારીઓ કરી લીધી છે.
દિલ્હી પોલીસે PM મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન, કર્તવ્ય પથની આસપાસ અને મહેમાનો ઉતારો હોય તે હોટલ્સની આસપાસ ઉચ્ચ સુરક્ષા ગોઠવવામાં આવી છે. તેમજ જમીનથી લઈ આકાશમાં દરેક ગતિવિધિ પર સતત બાજ નજર રાખવામાં આવશે. આ સંદર્ભે ટ્રાફિક પોલીસે 1100 કર્મચારીઓને ફરજ પર તૈનાત કર્યા છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, શપથવિધિને કારણે આજે બપોરે 2 થી 11 વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ભવન આસપાસ વિશેષ ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આ માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
- દિલ્હીમાં 9 અને 10 જૂને ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- ડ્રોન, પેરાગ્લાઈડિંગ અને પેરાજમ્પર્સ પર પણ પ્રતિબંધ રહેશે.
- કોઈ પણ રીમોટ ઓપરેટેડ સાધનોને ઉડાડવા દેવામાં આવશે નહીં.
- આ સાથે શપથ ગ્રહણ સમારોહને લઈને કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.
- 1100 જેટલા ટ્રાફિક પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.









