સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તબક્કો શરૂ થયો છે. જીત્યા હોય કે હાર્યા, તમામ ઉમેદવારોને તેમના ચૂંટણી ખર્ચનો હિસાબ આપવો ફરજિયાત બનાવાયો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ અંગે કડક સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોને 13 મે સુધીમાં તેમના ખર્ચની વિગતવાર નોંધ સબમિટ કરવી રહેશે. નિયમો અનુસાર, કોર્પોરેશનની ચૂંટણી લડનારા ઉમેદવારોને વધુમાં વધુ 9 લાખ રૂપિયા સુધીના ખર્ચની વિગતો રજૂ કરવી પડશે.
હિસાબ રજૂ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે
જ્યારે જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે આ મર્યાદા 6 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તે જ રીતે તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોને 3 લાખ રૂપિયા સુધીના ખર્ચનો હિસાબ આપવો જરૂરી રહેશે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવાર નિર્ધારિત સમયમર્યાદામાં ખર્ચનો હિસાબ રજૂ નહીં કરે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આ નિયમનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાનો અને ગેરરીતિઓને અટકાવવાનો છે. આથી તમામ ઉમેદવારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સમયસર જરૂરી દસ્તાવેજો સાથે ખર્ચની સંપૂર્ણ માહિતી રજૂ કરે, જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય.









