અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યા વકરી છે. છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. માત્ર 3 વર્ષમાં રોગચાળાના 44,258 કેસ નોંધાયા છે, ત્યારે હાલમાં શહેરમાં 26 હાઈરિસ્ક એરિયામાં પાણીજન્ય રોગચાળાની દહેશત ફેલાઈ છે. દૂષિત પાણીથી ઝાડા-ઉલ્ટી સહિતના કેસ વધવાની સંભાવના રહેલી છે. 2021માં મનપાને 42,192 ઓનલાઈન ફરિયાદો મળી, 2022માં 95,978 અને 2023માં 68,993, 2024માં 75,942 અને 2025માં 74,392 ફરિયાદો મળી છે.
કમળાના 7,972 કેસ અને કોલેરાના 400 કેસ નોંધાયા
2023-2025 સુધીમાં પાણીજન્ય રોગચાળાના કેસ નોંધાયા છે. જેમાં ઝાડા-ઉલ્ટીના 22,436 કેસ, ટાઈફોઈડના 13,450 કેસ, કમળાના 7,972 કેસ અને કોલેરાના 400 કેસ નોંધાયા છે. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાને લઈને પણ તંત્ર હરકતમાં છે. અમદાવાદમાં ડિસેમ્બરમાં ટાઈફોઈડના 180 કેસ નોંધાઈ ચૂક્યા છે. ડિસેમ્બરમાં ઝાડા ઉલટીના 239 કેસ, કમળાના 149 કેસ નોંધાયા છે. શહેરમાં 26 વિસ્તારમાં પાણીની લાઈન લીકેજની સમસ્યાઓ છે, સરસપુર, રખિયાલ, બાપુનગર, દાણીલીમડા, મણીનગર, વટવા, લાંભા, ખાડિયામાં પાણીની સમસ્યા છે.









