અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. બાવળા નજીક આવેલા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વિસ્તારમાં જ્યાં જુવો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જો કે વરસાદ બંધ થયાના બે દિવસ વિત્યા બાદ પણ પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. ટ્રક પર બેસીને સંદેશ ન્યુઝે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વરસાદના પાણીથી નદી સામાન દ્રશ્ય જોવા મળી રહ્યા છે.
બાવળા વિસ્તારમાંથી જુઓ સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટિંગ
ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોની બેદરકારીથી બાવળા વિસ્તારની દયનીય હાલત થઈ છે? બાવળાના રહેણાંક વિસ્તારના ઘરોના પાણી ફરી વળ્યા છે. ગળાડૂબ પાણીમાંથી પસાર થવા રહીશો મજબૂર બન્યા છે. બાવળાનું વહીવટી તંત્ર પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બાવળાના રહીશો ઘરવખરી માથે મૂકીને સ્થળાંતર કરી રહ્યા છે. સ્થાનિકોમાં આ સ્થિતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો કહી રહ્યા છે કે મત લેવા આવતા નેતાજીને પાણીમાં પગ પલાડવા પણ ગમત નથી. પાણીના નિકાલના વાયદા આપતા આગેવાનો હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વરસાદ બંધ થયાના બે દિવસ પસાર થયા છતાં પણ બાવળાની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે.









