અમદાવાદમાં આવેલી મયુર ડાયકેમ કંપની પર ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા કંપનીના નાણાકીય વ્યવહારો, હિસાબી દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મયુર પટેલ તેમજ તેમના ભાગીદારોના નિવાસસ્થાનો પર પણ ઈન્કમટેક્સ વિભાગે સમકાલીન તપાસ હાથ ધરી છે.
ઈન્કમટેક્સ વિભાગ વધુ ઊંડાણપૂર્વક તપાસ આગળ વધારી
તપાસ દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજો અને બેન્ક લોકર્સ વિશે માહિતી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. આ લોકર્સને ખોલીને તેમાં રહેલી સંપત્તિ અને દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં કરચોરી સંબંધિત કેટલાક મહત્વના પુરાવા મળ્યા હોવાની માહિતી સામે આવી છે. જેના આધારે ઈન્કમટેક્સ વિભાગ વધુ ઊંડાણપૂર્વક તપાસ આગળ વધારી રહ્યો છે. અધિકારીઓ દ્વારા કંપનીના નાણાકીય લેવડદેવડ, રોકડ વ્યવહાર અને કર રિટર્નની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં મોટી ટીમ જોડાઈ છે અને દસ્તાવેજોની ચકાસણી સતત ચાલુ છે.









