અમદાવાદમાં એક બેફામ ડમ્પર ચાલકના કારણે એસ.જી.હાઈવે પર ભારે ગભરાટ ફેલાયો હતો. મળતી માહિતી અનુસાર, ડમ્પર ચાલકે પહેલા એક અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ તે ડમ્પર લઈને બેફામ રીતે હાઈવે પર દોડતો રહ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડમ્પર ચાલકે પોલીસના સંકેતોની અવગણના કરીને વાહન રોક્યું નહોતું અને સતત બેફામ રીતે ડ્રાઈવિંગ ચાલુ રાખ્યું હતું.
હાઈવે પર ભારે અફરાતફરી સર્જાઈ
આ દરમિયાન રસ્તા પર અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકાયા હતા, જેના કારણે હાઈવે પર ભારે અફરાતફરી સર્જાઈ હતી. પોલીસે અંતે કડક કાર્યવાહી કરીને ડમ્પરને કાબૂમાં લીધું અને ચાલક વેલારામ કાલાસુવાની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચાલકની બેદરકારી અને બેફામ ડ્રાઈવિંગના કારણે આ ગંભીર ઘટના બની હતી.









