અમદાવાદના સરખેજ વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાણંદ ક્રોસિંગ નજીક જાહેર માર્ગ અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે બુલડોઝર સાથે વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન મંજૂરી વિના ઉભા કરાયેલા અનેક બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન મસ્જિદ સહિત કેટલાક ધાર્મિક સ્વરૂપના ગેરકાયદે દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઉપરાંત, તાજેતરમાં મંજૂરી વગર નવા બની રહેલા બાંધકામો સામે પણ તંત્રએ કડક વલણ અપનાવી બુલડોઝર ફેરવ્યું હતું. સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રએ જણાવ્યું કે જાહેર માર્ગો અને સરકારી જમીન પર થતા ગેરકાયદે દબાણો સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે જરૂરી પગલાં લેવામાં આવશે.









