અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી મની પ્લાન્ટ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બિલ્ડિંગના ઈલેક્ટ્રિકલ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ રેસ્ક્યુ ટીમ પણ સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી.
બિલ્ડિંગમાં રહેલા લોકોમાં ભયનો માહોલ
આગના કારણે બિલ્ડિંગમાં રહેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જોકે સમયસર કાર્યવાહી થવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ફાયર વિભાગે સતત પાણીનો છંટકાવ કરીને આગને નિયંત્રણમાં લેવા પ્રયાસ કર્યો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. સત્તાવાર રીતે કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, પરંતુ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે.









