શહેરના થલતેજ વિસ્તારમાં રોડ અને ગટર સંબંધિત અધૂરી કામગીરીને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિસ્તારમાં ચાલતા વિકાસના કામો યોગ્ય રીતે પૂર્ણ ન થવાને કારણે તૂટેલા રોડ, ખુલ્લા ગટરના ઢાંકણા અને બહાર દેખાતા સળિયા જીવલેણ જોખમ ઉભું કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ચોમાસાની શરૂઆત પહેલાં જ જો આવી સ્થિતિ છે તો ભારે વરસાદ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. રોડ પર ખુલ્લા પડેલા ખાડા અને અધૂરી ગટર લાઈનોને કારણે અકસ્માતનો ભય સતત વધતો જાય છે.
તંત્રની ધીમી કામગીરી સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી
ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો અને પગપાળા ચાલતા નાગરિકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોએ તંત્રની ધીમી કામગીરી અને બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી છે. વિકાસના નામે શરૂ થયેલા કામ સમયસર પૂર્ણ ન થતા 'આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ' સર્જાયો હોવાનું લોકો કહી રહ્યા છે. નાગરિકોએ તાત્કાલિક ધોરણે તમામ કામ પૂર્ણ કરવાની માગ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.









