લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત અમદાવાદ શહેરમાં વરસાદે જન્માષ્ટમીના દિવસે ફરી એન્ટ્રી કરી છે અને અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના બાપુનગર વિસ્તારના હીરાવાડીમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનો પણ બંધ પડ્યા છે. પાણીમાં ફસાયેલા વાહનોને ધક્કો મારવા લોકોને મજબૂર બનવું પડ્યું છે. પાણી ભરાતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયા છે.
ભારે વરસાદને પગલે સ્થાનિકોને ભારે હાલાકી
અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી આજે ભરાયા છે અને જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નિકોલ ગામ રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. કેનાલ પાસે આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા છે. સ્વામિનારાયણ નામની સોસાયટી પાણી ભરાયા છે, જેને લીધે સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. માત્ર 6 કલાકમાં મેમકોમાં 4.2 ઈંચ વરસાદ, દુધેશ્વરમાં 2.6 ઇંચ, અસારવામાં 3.2 ઇંચ વરસાદ, કાલુપુર અને વિરાટનગરમાં 2.4 ઇંચ વરસાદ, વટવામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.









