અમદાવાદના ધોળકામાં વરસાદી પાણી ભરાવવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોળકાના બદરખા ગામે ઉપરવાસનું વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. બદરખાનું તળાવ ઓવરફ્લો થતા રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયા છે. બદરખા ગામના આહવા કુવા, વણકરવાસ, રબારીવાસ, ઠાકોરવાસ, બલિયા દેવ મંદિર ના રસ્તા પર પાણી ભરાયા છે.
પાણીનો તાત્કાલિક નિકાલ કરવા ગામ લોકોની માગ
ત્યારે રોડ પર પાણી ભરાતા માલધારીઓ અને સ્થાનિક રહીશો, સ્કૂલે જતા બાળકો અને વૃદ્ધાઓને અવર-જવર કરવામાં પારાવાર હાલાકી પડી રહી છે. માલધારીઓને ઢોર બાંધવા અને ઘાસચારો રાખવામાં મોટી હાલાકી પડી રહી છે. તળાવ ગંદકી વાળું છે અને આ પાણી લોકોના ઘરની આગળ ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા આવે તેવી ગામના લોકોની માગ છે.









