અમદાવાદ શહેરમાં EPS-95 (એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ 1995)ના ધારકો દ્વારા આજે ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધનું મુખ્ય કારણ પેન્શનરોને મળતા અત્યંત ઓછા પેન્શનની રકમ છે, જેના કારણે તેમને આજના મોંઘવારીના સમયમાં જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે. EPS-95 હેઠળ નિવૃત્તિ બાદ મળતું પેન્શન જીવન જીવવા માટે પૂરતું ન હોવાથી લાંબા સમયથી પેન્શનરો પેન્શનમાં વધારાની માંગણી કરી રહ્યા છે. વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં પેન્શનરોએ રસ્તા પર ઉતરી આવીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.
મોંઘવારી ભથ્થા મુજબ સુધારાની માંગ
વિરોધ પ્રદર્શન કરી રહેલા EPS ધારકોની મુખ્ય અને વ્યાજબી માંગણી એ છે કે સરકાર તેમના પેન્શનની રકમમાં તાત્કાલિક ધોરણે વધારો કરે. તેમની રજૂઆત છે કે વર્તમાન પેન્શનની રકમ મોંઘવારી ભથ્થાના દરોને ધ્યાનમાં રાખીને સુધારવી જોઈએ. આ ઉપરાંત, તેઓ લાંબા સમયથી EPS-95 હેઠળ પેન્ડિંગ પડેલી તેમની અન્ય માંગણીઓ સ્વીકારવાની પણ માગ કરી રહ્યા છે. પેન્શનરોનું કહેવું છે કે, જો તેઓને યોગ્ય અને સન્માનજનક પેન્શનની રકમ નહીં મળે તો વૃદ્ધાવસ્થામાં તેમનું જીવન વધુ કઠિન બની જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે તેમની માંગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનીને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.









