ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે હવે ટૂંક સમયમાં વિકાસ કાર્યો શરૂ થવાના છે અને દેશના અન્ય દર્શનીય સ્થળો અયોધ્યા, વારાણસી અને ઉજ્જૈનની જેમ અંબાજી ખાતે પણ ભવ્ય કોરીડોર નિર્માણ પામનાર છે, ત્યારે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા ચીખલા હેલીપેડ ખાતે ઉતર્યા હતા અને ત્યારબાદ મોટર માર્ગે અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.
બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ અંબાજી કોરિડોર પ્રોજેક્ટ પ્રથમ તબક્કા માટે 950 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યકમમાં જોડાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ત્રિશુલીયા ઘાટ ખાતે શ્રી શક્તિ ત્રિશૂળનું અનાવરણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા.









