અમદાવાદ શહેરના પોશ વિસ્તારોમાં ગણાતા વિસ્તારમાં તંત્રની ઉદાસીનતા વધુ એક વખત સામે આવી છે. શહેરના ગોટીલા વિસ્તારમાં આવેલું ગોટીલા ગાર્ડન હાલ જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. ગાર્ડનને લઈ સ્થાનિક રહીશો અને મુલાકાતીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ગોટીલા ગાર્ડનમાં લેક છે પરંતુ પાણી ગાયબ
ગોટીલા ગાર્ડન આસપાસ મોટી મોટી સોસાયટીઓ આવેલી હોવા છતાં ગાર્ડનની નિયમિત સફાઈ, હરિયાળી જાળવણી અને સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવતું નથી એવો આક્ષેપ લોકો કરી રહ્યા છે. ગાર્ડનમાં ઘાસ કાપવાની, છોડની સંભાળ રાખવાની અને પાથવેની સફાઈ જેવી મૂળભૂત કામગીરી લાંબા સમયથી થતી ન હોવાની ફરિયાદ ઉઠી છે. ખાસ કરીને ગોટીલા ગાર્ડનમાં આવેલું લેક હાલમાં પાણી વિહોણું બની ગયું છે. લેકમાં પાણી ન હોવાને કારણે ગાર્ડનની સુંદરતા ઘટી ગઈ છે. મુલાકાતીઓનું કહેવું છે કે જો લેકમાં નિયમિત રીતે પાણી રાખવામાં આવે તો ગાર્ડનની આકર્ષણમાં વધારો થાય અને લોકો માટે આ સ્થળ વધુ આનંદદાયક બની શકે. બાળકો, વડીલો અને પરિવાર સાથે ફરવા આવનાર લોકો માટે આ ગાર્ડન મહત્વપૂર્ણ છે, પરંતુ હાલની સ્થિતિ નિરાશાજનક છે.









