અમરેલી જિલ્લામાં સાવજોની વધતી અવરજવર ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. અમરેલી-ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ડાલામથાના સિંહ જોખમી રીતે હાઈવે પર ચડી આવ્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સિંહની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ
માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી બ્રિજથી મીઠાપુર ગામ સુધીના વિસ્તારમાં આ સિંહ બ્રિજ પર લટાર મારતો જોવા મળ્યો હતો. હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે સિંહની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. કેટલાક વાહનચાલકોએ ગાડી ધીમે કરી સાવચેતી રાખી હતી અને ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો.
સિંહોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા
ઉલ્લેખનીય છે કે આ જ હાઈવે પર અગાઉ પણ બે સિંહોના વાહનની અડફેટે આવી મોત થયા હતા. તેથી સિંહોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓનો મત છે કે હાઈવે નજીકના વિસ્તારોમાં સાવજોની અવરજવર સતત વધી રહી છે, જે સિંહો અને વાહનચાલકો બંને માટે જોખમકારક બની શકે છે.
ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોનો સૌથી મોટો વસવાટ અમરેલી જિલ્લામાં નોંધાયો છે. આવી સ્થિતિમાં સિંહોની સુરક્ષા માટે વન વિભાગે વધુ સતર્કતા દાખવવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે. હાઈવે નજીક સુરક્ષા વ્યવસ્થા, ચેતવણી બોર્ડ અને રાત્રિ પેટ્રોલિંગ વધારવા જેવી માગ પણ સ્થાનિકો તરફથી ઉઠી રહી છે.









