સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામની આસપાસ અંદાજિત 1700થી 2000 વિઘા જેટલી ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણથી આ વિસ્તારના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામમાં લગભગ 2 હજારથી વધુ પશુધન છે. પશુધનને ચરાવવા માટેની જમીન પર દબાણ થયેલા હોવાથી આજે પશુપાલકો અને ગ્રામજનો પોતાના પશુધન સાથે સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.
ગૌચર જમીનમાં ગેરકાયદે દબાણથી પશુપાલકો મુશ્કેલીમાં
પશુપાલકો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને મુંગા પશુઓની ગૌચરની જમીન ખાલી કરાવવાની માગ કરી હતી. સિમરણ ગામના માલધારીઓએ પશુઓ સાથે આવેદનપત્ર આપ્યું, કોઈ પણ પ્રકારની અવ્યવસ્થાના સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત અને ફાયરની ટીમને પણ ગોઠવી દેવામાં આવી હતી અને પશુ સાથે આવેલા માલધારીઓના પશુઓને મામલતદાર કચેરીમાં ન પ્રવેશવા માટે પોલીસે દરવાજાઓ બંધ કરી બંદોબસ્ત જાળવ્યો હતો, ત્યારે હવે જોવાનું એ રહેશે કે માલધારીઓની સમસ્યાનો અંત ક્યારે આવશે.









