અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આવેલી RKMM બોય્ઝ હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે. એક સમયે જે બોય્ઝ હાઈસ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તે હાઈસ્કૂલમાં આજે જઈએ તો ભેકાર જોવા મળી રહ્યો છે અને ચલાલા શહેરના વિદ્યાર્થીઓ અન્ય ગામોમાં કે શહેરમાં અભ્યાસ માટે જવા માટે મજબુર બન્યા છે. બોય્ઝ હાઈસ્કૂલ છેલ્લા પાંચેક વર્ષથી ભુત બંગલા જેવી ભેંકાર ભાસી રહી છે.
એક સમયે 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ કરતો હતો કામ
વર્ષ 1942માં એ સમયના દાતાઓના અનુદાનથી બનેલી આ બોય્ઝ હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા. જો કે કમનસીબે આ બોય્ઝ હાઈસ્કૂલ આજે ખંઢેર બની ચુકી છે. ચલાલા શહેરની RKMM બોય્ઝ હાઈસ્કૂલમાં એક સમયે ધોરણ 8થી 12ના 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. અહીં 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો. પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી આ હાઈસ્કૂલ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડીંગ જર્જરિત અને જોખમી બની જતા વિદ્યાર્થીઓ અન્યત્ર અભ્યાસ માટે જવા મજબુર બન્યા છે.









