બનાસકાંઠામાં આવેલા અંબાજીમાં કોટેશ્વર શક્તિપીઠ ખાતે 21 લાખ રૂપિયાની કિંમતના ચાંદીનું થાળું ચોરાયું છે. મોડી રાતે તસ્કરો ચાંદીનું થાળું ચોરી ગયા છે. 4 ઓગસ્ટના રોજ જોધપુરના ભક્તે 15 પંદર દિવસ પહેલા દાન આપ્યું હતું અને આજે 18 ઓગસ્ટના રોજ શિવ મંદિરમાંથી ચાંદીનું થાળું ચોરાયું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું આ મંદિર છે અને અરવલ્લીની ગિરિમાળાઓમાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે.
તાત્કાલિક આરોપી પકડાય તેવી શિવભક્તોની માગ
મોડી રાત્રે 12.10 વાગ્યે તસ્કરોએ શિવ મંદિરમાંથી ચોરી કરી હતી અને મંદિરના તમામ દરવાજા બંધ કર્યા હતા. આ ઘટના અંગેની જાણ થયા બાદ પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંબાજી પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીની, અસામાજિક પ્રવૃતિઓની ઘટનાઓમાં વધારો થયો છે. અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવોમાં વધારો થતાં પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉભા થયા છે. પોલીસ દ્વારા તાત્કાલિક આરોપી પકડાય તેવી શિવ ભક્તો દ્વારા માગ કરવામાં આવી રહી છે.









