રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સારી શાળાઓ બનાવી બાળકો સારું શિક્ષણ લઈ શકે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી શાળાઓ પાછળ વાપરવામાં આવે છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવી અનેક શાળાઓ છે કે જેનું બાંધકામ વર્ષો પહેલા થયું હતું અને આજે આ શાળાઓ જર્જરીત હોવા છતાં બાળકો જર્જરીત ઓરડામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.
13 ઓરડામાંથી રોજે રોજ 1 બાદ એક છતના પોપડા નીચે પડી રહ્યા છે
ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા પ્રાથમિક શાળાની શરૂઆત 1985માં 8 ઓરડાથી શરૂ થઈ હતી, જે બાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધતા 1989માં આ શાળામાં બે રૂમ વધારી અને 10 રૂમની આ શાળા બનાવવામાં આવી હતી. જે બાદ બાંધકામ જૂનું થતા 3 રૂમ વધારી વર્ષ 2001માં આ શાળા 13 ઓરડા વાળી બનાવી શાળા ચલાવવામાં આવતી હતી. અત્યારે આ શાળા 17 ઓરડાના બાંધકામવાળી છે, પરંતુ શાળામાં આવેલા 13 ઓરડા અત્યારે જર્જરિત હાલતમાં છે, આ તમામ 13 ઓરડામાંથી રોજે રોજ 1 બાદ એક છતના પોપડા નીચે પડી રહ્યા છે, તાજેતરમાં જ બાળકો ઓરડામાં અભ્યાસ લઈ રહ્યા હતા. તે સમયે જ છત પરથી પોપડા નીચે પડતા શિક્ષિકા અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી, જોકે સદનસીબે કોઈને ઈજાઓ પહોંચી ન હતી. જોકે પોપડા ખરવાની ઘટનાને લઈને વિદ્યાર્થીઓ ભયભીત બની જતા અત્યારે શાળાના આચાર્ય દ્વારા આ તમામ 13 ઓરડા બંધ કરી બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરાવી રહ્યા છે.









