બરોડા ડેરીની આવનારી ડિરેક્ટર ચૂંટણી પહેલા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 18 માર્ચે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે જિલ્લા રજીસ્ટ્રારની ટીમે ડેસર તાલુકામાં અચાનક દરોડા પાડ્યા હતા. ટીમે પ્રતાપપુરા અને વેજપુર ગામની દૂધ મંડળીઓમાં તપાસ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન પોલીસની મદદ સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
પ્રતાપપુરા, વેજપુર મંડળીમાં દફતર જપ્તીનો પ્રયાસ
તપાસ દરમિયાન મંડળીના દફ્તરો અને જરૂરી દસ્તાવેજોની જપ્તી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તપાસ દરમિયાન સંબંધિત દફ્તરો સ્થળ પર ઉપલબ્ધ ન હોવાથી અધિકારીઓને જપ્તી કરવાની કાર્યવાહી કરી શકાઈ નહોતી. જેના કારણે ટીમે પંચનામું તૈયાર કરીને નોંધ કરી હતી. આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ હતી. મહત્વનું છે કે 18 માર્ચે બરોડા ડેરીના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલાં કરવામાં આવેલી આ કાર્યવાહીથી સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે. તંત્ર દ્વારા આગળ પણ તપાસ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









