રાજ્યભરમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી એક વખત મેઘરાજાએ કેટલાક શહેરમાં પધરામણી કરી છે. ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં પણ લાંબા વિરામ પછી વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે.
બપોરે 12થી 2 વાગ્યા સુધી 38 તાલુકામાં વરસાદ
તમને જણાવી દઈએ કે આજે 21 જુલાઈએ બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 38 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના તલોદમાં 1.73 ઇંચ વરસાદ, પ્રાંતિજમાં 1.10 ઈંચ, વાંસદામાં 0.63 ઈંચ વરસાદ, હિંમતનગરમાં 0.59 ઈંચ, માણસામાં 0.59 ઈંચ વરસાદ, ધનસુરામાં 0.55 ઈંચ, સતલાસણામાં 0.51 ઈંચ વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને પગલે રોડ-રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.









