ભાવનગરના વલ્લભીપુરમાં ડિજિટલ સર્વેનો વિરોધ કરવામાં આવ્યો છે. વલ્લભીપુર તાલુકાના 53 ગામના સરપંચોએ ડિજિટલ સર્વે સામે વિરોધ નોંધાવ્યો છે. વલ્લભીપુર તાલુકાના સરપંચોએ ગામ વતી ડિજિટલ સર્વેનો બહિષ્કાર કર્યો અને મુખ્યપ્રધાનને આ અંગે લેટર લખી રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે વલ્લભીપુર તાલુકામાં વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી હતી.
ડિજીટલ સર્વે માત્રથી ખેડૂતોમાં ભારે રોષ
માવઠાએ ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ખેડૂતોના કર્યા પર પાણી ફરી વળ્યું હતું. માવઠાના મારથી અન્નદાતાના મોઢે આવેલો કોળીયો છીનવાયો હતો. સરકાર દ્વારા ડિજીટલ સર્વે માત્રથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સાથે જ તાલુકાને સંપૂર્ણ અસરગ્રસ્ત તાલુકો લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવામાં આવે તેવી માગ તાલુકાવાસીઓ દ્વારા કરવામાં આવી હતી.
તંત્રની ટીમો ગામે-ગામે જઈને પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે
પાક નુકસાનીને લઈ ડિજિટલ સર્વેની કામગીરીનો હાલમાં પ્રારંભ થયો છે. નુકસાનીની સર્વે કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. તાલુકા તંત્રની ટીમો ગામે-ગામે જઈને પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે. હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં છેલ્લા 6 દિવસથી સતત કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જેમાં મગફળી, કપાસ અને ડુંગળી સહિત અનેક પાકોમાં મોટી નુકસાની વેઠવી પડી છે.









