કચ્છના ગૌરવમાં વધારો બન્નીનું ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઈટ’ જાહેર કરાઈ છે. ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે. છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ 'છારી ઢંઢ પક્ષી અભયારણ્ય'ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઈટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે. છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે.
ઈકો-ટૂરિઝમ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો
કચ્છના ઈકો-ટૂરિઝમ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારના છેડે આવેલ ‘છારી-ઢંઢ’ કન્ઝર્વેશન રિઝર્વને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ સાઈટ એટલે કે ‘રામસર સાઈટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઈટ તરીકે મળેલી આંતરરાષ્ટ્રીય માન્યતા ગુજરાત માટે ગૌરવની બાબત છે. રામસર દરજ્જાથી વિસ્તારમાં ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન મળશે.









