છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની એક આંગણવાડીમાં બાળકોને પીરસાયેલા ભોજનમાં જીવાતો મળી આવતાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી મુજબ બાળકોને આપવામાં આવેલા નાસ્તામાં ઈયળો જોવા મળતાં વાલીઓ અને ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઘટનાનો વીડિયો ગ્રામજનોએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં બાળકોની થાળીમાં જીવાતો સ્પષ્ટ રીતે દેખાઈ રહી હોવાનું જણાય છે. શાળા પ્રવેશોત્સવ જેવી મહત્વપૂર્ણ કામગીરી દરમિયાન આવી ગંભીર બેદરકારી સામે આવતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ
ગ્રામજનોએ આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. આ ઘટનાએ ICDS વિભાગની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. હાલ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાલીઓએ બાળકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની માગ કરી છે.









