ગોંડલના પ્રખ્યાત મરચાની આવક માર્કેટિંગ યાર્ડમાં આજથી શરૂ થઈ ચૂકી છે. મરચાની આવક પ્રથમ હરાજીના ખેડૂતોને 8000 રૂપિયા ભાવ મળ્યો છે. રનીંગ હરાજીમાં સારા મરચાનો ભાવ 3000થી 3500 સુધી બોલાયા હતા, ગયા વર્ષ કરતા આ વર્ષે સારા મરચાના ભાવ બોલાયા છે. 3000થી વધુ ભારી મરચાની આવક આજે માર્કેડયાર્ડમાં થઈ છે. આ વખતે ખેડૂતોને ઉત્પાદનમાં વધુ ખર્ચ થયો છે. વાયરસને લીધે સુકારાનો રોગ લાગુ પડતા ખેડૂતોને વધારાનો ખર્ચ થયો છે. આ સુકારાના કારણે ઉત્પાદન ઘટે તેવી શક્યતા છે.
ફુલહાર અને શ્રીફળ વધેરીને ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગોંડલમાં ટેકાના ભાવે મગફળી સહિતના ખેત પાકોની ખરીદી શરૂ કરવામાં આવી હતી. નવા માર્કેટિંગ યાર્ડ ખાતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતના અગ્રણીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ફુલહાર અને શ્રીફળ વધેરીને ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી અને પ્રતિ મણ મગફળીના ભાવ 1,462 રૂપિયા ખેડૂતોને અપાયા છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.









