દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. દિવાળી પર્વની ખુબ જ અનોખી રીતે ઉજવણી અહીં કરવામાં આવે છે. જેમા દાહોદ જિલ્લાના ગાંગરડી, ગરબાડા, દાહોદ, લીમડી, અભલોડ ગામે ગાય ગોહરી નવા વર્ષના દિવસે ઉજવવામાં આવે છે. આ ગાય ગોહરીના તહેવારમાં ગોવાળિયાઓ દ્વારા નવા વર્ષના દિવસે વહેલા ઉઠી ગાયોને અલગ અલગ કલરથી સુશોભિત કરતા હોય છે.
આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે
દાહોદ જિલ્લામાં ઉજવાતા તહેવારમાં પ્રથમ ભગવાનના આશીર્વાદ લઈને ગાય ગોહરીની શરૂઆત કરવામાં આવે છે. ગોવાળિયાઓ પોતાની ગાયોના ટોળા લઈને આવતા હોય છે. આ ટોળામાં ગાયો ખુબ જ મોટી સંખ્યામાં હોય છે, ગાયને ગામના ચોકમાં દોડાવવામાં આવે છે. ત્યારબાદ ઢોલીના ઢોલના સથવારે લોકો પોતાની બાધા રાખેલા ગોવાળિયા, ખેડૂતો દંડવત પ્રણામ કરી જમીન પર ઉંધા સુઈને ગાય ગોહરી પડે છે. ગાયનો સમૂહ ગોવાળીયાઓના શરીર ઉપરથી પસાર થાય છે, આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને જે લોકો ઉપર ગાયો ચાલે છે તેમણે આજ દીન સુધી કોઈ નુકસાન પણ થતું નથી.
આવનારૂ નવું વર્ષ કેવું રહેશે?
લોકમાન્યતા પ્રમાણે ગત વર્ષમાં ખેતી કામ દરમિયાન ગાય માતાને જો ભુલથી મરાય ગયું હોય તો ગાય માતાની માફી નવા વર્ષના દિને ગાય નીચે સુઈને માફી માગીને બાધા પૂર્ણ કરવામાં આવે છે, તેમજ ગાય ગોહરીમાં પ્રથમ ગાય જે નીકળે તે પ્રમાણે નવું વર્ષ કેવું જશે તેનું પણ અનુમાન લગાવવામાં આવતુ હોય છે. આ વર્ષે પ્રથમ સફેદ ગાય નીકળતા આવનાર નવુ વર્ષ સારૂ નીકળશે તેવી માન્યતા છે. ત્યારે ઉત્સાહ ભેર ઉજવાતા ગાયગોહરીના પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતુ હોય છે.









