રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા કેરાળા જાળીયા મોજીરા જેવા ગામોમાં માવઠાથી ખેડૂતોની સાથે માલધારીઓની માઠી દશા થઈ છે. સૌરાષ્ટ્રમાં કુદરત રૂઠ્યો હોય અને ખેડૂતોના ખેતરમાં પાકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તમામ પાકને તો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, સાથોસાથ માલધારીઓ પણ આ કમોસમી વરસાદ અને માવઠાથી પાકોને વ્યાપક નુકસાન થતાં હવે પશુ માટે ઘાસચારાની ચિંતા પણ વધી છે. ત્યારે ગઢાળા, કેરાળા, જાળીયા, મોજીરા જેવા ગામોમાં માવઠાથી થતાં નુકસાનથી ખેડૂતોની સાથે માલધારીઓ પણ ચિંતીત બન્યા છે.
રાજકોટના લોધીકામાં કમોસમી વરસાદથી નુકસાન
બીજી તરફ રાજકોટના લોધીકામાં કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું છે. તરવડા અને હરીપરા ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો કહી રહ્યા છે કે સર્વેની જરુર નથી, નુકસાન થયું એટલે થયું છે. અમારા મગફળી, કપાસ, સોયાબીના પાકને મોટું નુકસાન થયું છે તો જીરુ અને ચણામાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કેટલી અને ક્યારે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેની કોઈ જાહેરાત કરાઈ નથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ આ વર્ષે નુકસાન થયું છે.









