'ઘરની ધોરાજી'... આ કહેવત તો તમે ઘણી વાર સાંભળી હશે, પણ હાલ ધોરાજીના જુનાગઢ રોડ પર આ કહેવત અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ધોરાજીના જુનાગઢ રોડને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે મુખ્ય રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા અઢી વર્ષથી ચાલતી આ ઓવરબ્રિજની કામગીરી જાણે કાચબા ગતિએ ચાલી રહી છે. કોન્ટ્રાક્ટરની મનમાની અને અણઆવડતના કારણે આજે સ્થાનિક રહીશો, દુકાનદારો, વાહનચાલકો અને પ્લાસ્ટિક ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જવાબદાર તંત્ર જાણે આંખ આડા કાન કરીને બેઠું છે અને કોન્ટ્રાક્ટર પર તંત્રના ચાર હાથ છે.
ડાયવર્ઝનના રસ્તાઓ ખખડધજ હાલતમાં
મહત્વનું છે કે વેરાવળ, સોમનાથ અને જુનાગઢથી જામનગર સુધીનો આ મુખ્ય માર્ગ છે. અઢી વર્ષથી લોકો નાના-મોટા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે, વાહનોમાં તોડફોડ વધી રહી છે. તેવામાં હવે અધૂરામાં પૂરું હોય તેમ, ગત તારીખ 4 જૂન 2026થી આ રસ્તા પર ભારે વાહનોની એન્ટ્રી બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ આ ડાયવર્ઝન રસ્તાઓ સાવ ખખડધજ હાલતમાં છે. અહીંથી પસાર થતી એસ.ટી. બસો, લક્ઝરી ટ્રાવેલ્સ અને મોટા ટ્રકો નછૂટકે આ પથરાળ અને ધૂળિયા માર્ગો પરથી પસાર થવા મજબૂર બન્યા છે.









