દ્વારકા તાલુકાના વરવાળા ગામે એક મોટા જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. વેચાણ દસ્તાવેજ બનાવટી પુરાવાઓ રજૂ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. વેચાણ કરનાર વ્યક્તિએ ગોરધનદાસ કાલુમલ તરીકે ખોટી ઓળખ આપી હતી અને તપાસ દરમિયાન વેચાણ કરનાર દ્વારા રજૂ કરવામાં આવેલું ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવટી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પ્રાંત અધિકારીની સૂચનાને પગલે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી છે.
ખોટું નામ ધારણ કરનાર સહિત 3 સામે ફરિયાદ
ત્યારે દેવભૂમિ દ્વારકામાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ થયા બાદ ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ દસ્તાવેજ નોંધાવનારા લોકો સામે કડક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે. 1908ની કલમ 83 હેઠળ આ કૌભાંડમાં સામેલ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ખોટું નામ ધારણ કરનાર વ્યક્તિ તેમજ બે સાક્ષીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાએ રાજ્યભરમાં ખોટા દસ્તાવેજોથી થતાં જમીન વ્યવહારો સામે લાલબત્તી સમાન છે.
જામ ખંભાળીયાના પંથકમાંથી વધુ એક ઘોડાછાપ ડોક્ટર ઝડપાયો
બીજી તરફ જામ ખંભાળીયાના પંથકમાંથી વધુ એક ઘોડાછાપ ડોક્ટર ઝડપાયો છે. કંડોરણા ગામેથી દિવ્યેશ કુબાવત નામનો ફર્જી ડોક્ટર ક્લિનિક ચલાવતો હતો, કોઈપણ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસ વગર લોકોની માનવ જિંદગી જોખમમાં મુકતો હતો. વગર ડિગ્રીએ પોતે ડોક્ટર હોવાનું જણાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. વધુ કોઈ માનવ જિંદગી જોખમમાં મૂકાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો છે. પોલીસે સ્થળ પરથી ઈન્જેક્શન દવાની બાટલો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.









