ગઈકાલે 3 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની 56મી બેઠક દિલ્હીમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં GSTના બે ટેક્સ સ્લેબને રદ્દ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવેથી દેશમાં 5 ટકા, 18 ટકા અને એક સ્પેશિયલ ટેક્સ સ્લેબ લાગુ રહેશે. આ નવા ટેક્સ સ્લેબ 22 સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ પડશે. આ જાણકારી નાણાપ્રધાને કાઉન્સિલની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને આપી હતી.
આ ઐતિહાસિક GST રીફોર્મ છે : નાણાપ્રધાન કનુ દેસાઈ
ત્યારે GST રીફોર્મ અંગે ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે આ ઐતિહાસિક GST રીફોર્મ છે, નવા સ્લેબમાં રોટી, કપડા, મકાનનું ધ્યાન રખાયું છે. અને 12 ટકા અને 28 ટકાના સ્લેબને નાબૂદ કરવામાં આવ્યો છે. આ સાથે જ તમાકુ સહિત લક્ઝરી વસ્તુઓ પરનો ટેક્સ વધારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ નવા જીએસટી રીફોર્મને લઈને વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું કે ટેક્સમાં ઘટાડો થવાથી સામાન્ય લોકોને મોટો ફાયદો થશે અને તેમનું જીવન સરળ બનશે.









