મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે। મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહીં, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે.
દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ
આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જનશક્તિને જોડવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે 'ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રીઓ ઋષિકેશ પટેલ તથા કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓના 260થી વધુ સરપંચો સહભાગી થયા હતા.









