ગાંધીનગર વાસીઓને પણ હવેથી 24 કલાક પાણીની સુવિધા મળશે. ગાંધીનગર મહાનગરપાલિકા રાજ્યનું પ્રથમ 24 કલાક પાણી આપતું શહેર બનશે. સેક્ટર 14થી 29માં મંગળવારથી 24 કલાક પાણી આપવાની શરૂઆત થશે, ત્યારે બાકી રહેતા સેક્ટરમાં ટૂંક સમયમાં 24 કલાક પાણી આપવામાં આવશે. આ સાથે મહાનગરપાલિકા દ્વારા મીટરના આધારે બિલ આપીને તેની વસુલાત પણ કરવામાં આવશે. ત્યારે જો લિકેજ અંગે નાગરીકો મહાનગરપાલિકાને જાણકારી આપી શકશે અને લિકેજ દૂર કરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
મંગળવારથી સેક્ટર 14 થી 29માં 24 કલાક પાણી અપાશે: મેયર મીરાબેન પટેલ
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે કહ્યું હતું કે, ગાંધીનગરના નાગરિકોને 24 કલાક પાણી મળશે. જેનું મીટરના આધારે બિલ પણ વસૂલ કરવામાં આવશે. ઘરે ઘેર મીટરની કામગીરી કરવામાં આવી છે. મીટરના આધારે લોકોને પાણીનું બિલ આપવામાં આવશે. શહેરમાં જે પણ જગ્યાએ લીકેજ હોય તેની માહિતી શહેરના નાગરિકો મહાનગર પાલિકાને કરી શકશે. હાલના ધોરણે શહેરમાં સેક્ટર 14 થી 29માં 24 કલાક પાણી અપાશે. બાકીના સેક્ટરમાં ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે.









