માવઠાનો માર સહન કરી રહેલા અમરેલી જિલ્લાના ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત આજથી કરવામાં આવી છે. સાવરકુંડલા એપીએમસી ખાતે ધારાસભ્ય મહેશ કસવાળાએ ખેડૂતોના મોં મીઠા કરાવી વિધિવત રીતે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી હતી.
વરસાદના કારણે મગફળીની ગુણવત્તામાં ફેરફાર થયો
અમરેલી જિલ્લાના તમામ 5 કેન્દ્રો પર આજે 10-10 ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચ્યા હતા. 20 કિલો મગફળીના રૂપિયા 1,452ના ભાવથી મગફળી વેચવા આવેલા ખેડૂતો ખુશખુશાલ છે. પરંતુ તેમની એક ફરિયાદ પણ છે કે કમોસમી વરસાદના કારણે મગફળીની ગુણવત્તામાં ફેરફાર થયો છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા રહેમ દ્રષ્ટિ રાખી ખેડૂતોની થોડી નબળી મગફળી પણ ખરીદી કરે તો જ ખેડૂતોને ફાયદો થશે.
ગુજકોમાસોલ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસીમાં ગુજકોમાસોલ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી છે. કેટલાક કિસ્સામાં નાની મોટી ક્ષતિ જોવા મળી હતી. જોકે આ મુદ્દે તેમણે જણાવ્યું કે તમામ ક્ષતિઓ દુર કરવામાં આવશે. કમોસમી વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોને કંઈક અંશે રાહત ચોક્કસ થશે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.









