ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શિયાળો બિલ્લીપગે જમાવાટ કરવા લાગ્યો છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી. હવામાન નિષ્ણાત મુજબ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. ઉપસાગરમાં આજથી હલચલ જોવા મળશે. 19 નવેમ્બર બાદ અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે. નવેમ્બરના અંતમાં માવઠું જોવા મળી શકે.
વાદળો ઘેરાશે તાપમાન વધશે, માવઠાની કરી આગાહી
ગુજરાતમાં વાદળો આવતા તાપમાન વધશે. ચક્રવાત ભીષણ બનવાની શક્યતાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી. વાદળો આવતા નવેમ્બરના અંતમાં માવઠું થવાની શક્યતા છે. તેમજ ડિસેમ્બરની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ જોવા મળી શકે તેવી અંબાલાલે આગાહી કરી. આ સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. 21 નવેમ્બર બાદ તાપમાનમાં વધારો થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી થશે જયારે સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહી શકે છે.
રાજ્યમાં ફરી આવશે વાવાઝોડું
રાજ્યમાં વધુ એક વાવાઝોડાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ૧૯ નવેમ્બર અરબી સમુદ્રમાં દક્ષિણ ભારતમાં લો પ્રેશર બની શકે છે. જેની ગુજરાત પર અસર જોવા મળશે. બંગાળના ઉપસાગર માં સુપર સાયક્લોન સર્જાતા ગુજરાતના દરિયાકાંઠે પણ વાવાઝોડાની સંભાવના છે. નવેમ્બરના અંતમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે. ગત મહિને રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું હતું. માવઠાના કારણે અનેક પાક બગડતા ખેડૂતો પાયમાલ થયા હતા. ત્યારે હવે ફરી માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાના વાદળ જોવા મળ્યા.









