અમદાવાદમાં મેટ્રો ટ્રેન કાર્યરત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ શહેરની લાઈફ લાઈન તરીકે પ્રસ્થાપિત થઈ છે. બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ હવે પૂર્ણતાને આરે આવીને ઉભો છે. ત્યારે શહેરમાં વધુ એક પરિવહનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં વોટર મેટ્રો કાર્યરત થાય તો નવાઈ નહીં. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી નદીમાં વોટર મેટ્રો દોડાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
ફિઝિબિલિટિ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ
અમદાવાદની સાબરમતી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે મહાનગર પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં ફેઝ-1માં જ્યાં રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થયેલું છે. ત્યાં વોટર મેટ્રો દોડાવી શકાય કે કેમ તેના માટેનો ફિઝિબિલિટિ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે સંકલન શરૂ કરીને આ કામગીરીનો પ્રારંભ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.પ્રથમ તબક્કામાં ફેઝ વન સુધી વોટર મેટ્રો અમદાવાદમાં રહેશે અને બાદમા ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી લંબાવવાનું આયોજન છે. એક કરોડના ખર્ચે આ ફિઝિબિલિટી રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદની સાબરમતી નદીમાં અગાઉ સી પ્લેન પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જે થોડા સમય સુધી કાર્યરત થયા બાદ બંધ કરવામાં આવ્યો છે.









