અમદાવાદમાં માત્ર ધનકુબેરોના નબીરા જ નહીં પણ સ્માર્ટ સિટીના તંત્રના કર્મચારીઓ પણ બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યાં છે. શહેરમાં AMTS બસના ડ્રાઈવરો દ્વારા બેફામ ડ્રાઈવિંગના અનેક કિસ્સા સામે આવ્યાં છે. ત્યારે આજે ગોતા સિરામીક માર્કેટ પાસે બેફામ ગતિએ આવતા AMTSના ડ્રાઈવરે સ્કૂલ વાન, રિક્ષા અને ટેમ્પોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી હતી. જ્યારે સ્કૂલના બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં મનપાની કાર્યવાહીમાં કુણુ વલણ સામે આવ્યું છે. માત્ર દંડ અને નોટીસની કાર્યવાહી કરાઈ છે.
ચાર્ટડ સ્પીડ કંપનીને માત્ર 50 હજારનો દંડ ફટકારાયો
અમદાવાદના ગોતામાં AMTS બસ દ્વારા થયેલા અકસ્માતમાં ડ્રાઈવરે સ્કૂલવાન, રિક્ષા અને ટેમ્પોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ખતરનાક હતી કે, વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. સદનસીબે સ્કૂલના બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બસ ઓપરેટર ચાર્ટડ સ્પીડ કંપનીને માત્ર 50 હજારનો દંડ ફટકારાયો છે અને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે.









