ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે સુનાવણી યોજાઈ હતી. આ મુદ્દે કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, રાજ્યમાં ખાસ કરીને મોટા શહેરોમાં રોડ પર પાર્કિંગ અને રોંગ સાઈડ ડ્રાઈવિંગની સમસ્યા વધી રહી છે. હાઈકોર્ટે અમદાવાદ પોલીસને રોંગ સાઈડ ડ્રાઈવ, પાર્કિંગ અને ટ્રાફિકને લઈને આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સરખેજ ગાંધીનગર હાઈવે, સીજી રોડ, જજીસ બંગલો, નારણપુરા, ઘાટલોડિયા અને વાડજ સર્કલથી દૂધેશ્વર રોડ પર ડ્રાઈવ ચાલુ રાખો. આ વિસ્તારોમાં ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યાઓ છે. આ ઉપરાંત ગાંધીનગરના ઉવારસદમાં રખડતા ઢોરોનો ત્રાસ છે.
7 નવેમ્બર સુધી સરવે કરાશે જેનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપવામાં આવશે
કોર્ટમા સુનાવણી દરમિયાન જજે કહ્યું હતું કે, તેમના દેખતા એક સિગ્નલ ઉપર અઢી મિનિટમાં 7 લોકો દ્વારા સિગ્નલ ભંગ કરાયું હતું. હાઇકોર્ટે અમુક વિસ્તારોની નોંધ લઈ ખાસ ડ્રાઇવ કરવા પોલીસને આદેશ આપ્યો હતો. આ ઉપરાંત દિવાળી બાદ ડ્રાઈવ બાદ સરવે કરવા સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. 29 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સરવે કરાશે જેનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપવામાં આવશે.









