અમદાવાદની શાળા હવે સરસ્વતીનું મંદિર નહી પણ સમરાંગણ બની રહી છે. શહેરની શાળાઓ કયારેક શિક્ષકોની વર્તણૂંક તો કયારેક શાળાના ધાંધિયાના કારણે વિવાદમાં જોવા મળે છે. હાલમાં મણિનગરની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થીના આક્રમક વર્તનના કારણે વિવાદમાં સપડાઈ છે. ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ સામાન્ય બબાલમાં બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતા વિદ્યાર્થીનું મોત નિપજતા વાલીઓ સહિત નાગરિકોમાં પણ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો.
પોલીસે NSUI કાર્યકરોની અટકાયત કરી
સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-8માં ભણતા વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો કરવાની ઘટના સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. દરમિયાન વિધાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજતા વાલીઓના ટોળા શાળાએ ઉમટી પડ્યા હતા. વાલીઓએ શાળા સામે ઉગ્ર દેખાવ કરતા હોબાળો મચાવ્યો હતો. આ ઘટનામાં આજે સેવન્થ ડે સ્કૂલના વાલીઓ સાથએ NSUI કાર્યકરો અને સ્થાનિકો પણ વિરોધમાં જોડાયા. દરમિયાન NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી જોવા મળી. પોલીસે NSUI કાર્યકરોની અટકાયત કરી.
સ્કૂલની આ ખૂબ મોટી બેદરકારી
સમગ્ર ઘટનાને લઈને NSUI દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું. મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવા સેવન્થ ડે સ્કૂલ બંધ કરવાની માગ સાથે વિરોધ કરાયો. સેવેન્થ ડે સ્કૂલ પાસે લોકોએ ઘેરાવ કર્યો. હવે વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે અને ન્યાય ન મળે ત્યા સુધી આંદોલન કરવાની ચીમકી આપી છે. વિરોધ કરનાર પ્રદર્શનકર્તાએ કહ્યું કે સેવન્થ ડે સ્કૂલની આ ખૂબ મોટી બેદરકારી છે.
વિદ્યાર્થીઓનો શાળાને લઈને આક્ષેપ
શાળા સામે કડક પગલાં લેવા જોઈએ. શાળામાં વિદ્યાર્થીઓની સલામતી જોખમાઈ રહી છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આ શાળામાં વારંવાર લડાઈઓ, મારામારી અને બબાલની ઘટના થાય છે. રોજ ફરિયાદ થવા છતાં સ્કૂલ કંઈ ધ્યાન નથી આપતી. વારંવારની ફરિયાદ છતાં શાળા પગલાં નથી લેતી ફક્ત એક દિવસ લોકોને સસ્પેન્ડ કરે છે. વિદ્યાર્થિનીઓ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો. શાળામાં આવું બીજીવાર ન થાય તેની ખાતરી આપો. વાલીઓ લાખો રૂપિયા ફી લઈને વિદ્યાર્થીઓને શું આપો છો.









