વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતાં. જ્યાં વડાપ્રધાન મોદીએ પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. બંને નેતાઓનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અગાઉથી જ હાજર રહ્યા હતાં. વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને પતંગ વિશે માહિતી આપી હતી.
ભારત અને જર્મનીના સંગીતનો સમન્વય
વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને શહેરની વિરાસતને સમજાવી હતી. પોળમાં કેવા પ્રકારના મકાનો હોય અને લોકોની રહેણીકરણી કેવી હોય તે અંગે જર્મન ચાન્ચેલરને માહિતી આપી હતી. પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેની પણ માહિતી આપી હતી. પતંગ અને ગુજરાતનો ઈતિહાસ જર્મન ચાન્સેલરને વડાપ્રધાન મોદીએ સમજાવ્યો હતો. લોકોએ પતંગ મહોત્સવના સ્થળ પર બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું.બંને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં ઉભા રહીને પતંગ ચગાવ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓએ સાબરમતી રિવરફ્રન્ટ નિહાળ્યો હતો. આ મહોત્સવમાં વિશાળ ચબૂતરા અને સાંસ્કૃતિક સંગીતની ઝાંખી કરવામાં આવી છે. આ વખતે હેરિટેજ પોળની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે.









