અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ભરતી કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. ખોટા પરિણામોના આધારે ફિક્સ પે ભરતી થયેલા આઠ કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓએ વર્ષ 2023-2024 દરમિયાન ખોટા દસ્તાવેજો રજૂ કરીને નોકરી મેળવી હતી. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી પુલકિત સાથેની તેમની સંડોવણી બહાર આવતાં આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
ભરતી કૌભાંડનો મોટો ઘટસ્ફોટ
ખોટા પરિણામો બનાવનાર મુખ્ય આરોપી પુલકિતની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ તપાસમાં બહાર આવ્યું કે, બરતરફ થયેલા આઠ કર્મચારીઓના પરિણામો ખોટી રીતે બનાવવામાં આવ્યા હતા. આ કર્મચારીઓએ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથે મળીને ગેરકાયદેસર રીતે નોકરી મેળવી હતી. આ ઘટનાથી AMC ની ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને તંત્રની છબીને મોટું નુકસાન થયું છે.આ કૌભાંડ સામે આવ્યા બાદ મનપા દ્વારા તાત્કાલિક ધોરણે નિમણૂકો રદ્દ કરવામાં આવી હતી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, સરકારી નોકરીઓ મેળવવા માટે ખોટા માર્ગો અપનાવવાનું ચલણ વધુ રહ્યું છે. તંત્રએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ભરતી પ્રક્રિયાને વધુ સઘન અને પારદર્શી બનાવવાની જરૂર છે. આ ઘટના અન્ય સરકારી વિભાગો માટે પણ એક ચેતવણીરૂપ છે.









